આજે જરા યુ ટર્ન લઈએ. કમ્પ્યુટર પરની આપણી યાત્રા મોટા ભાગે માઇક્રોસોફ્ટ વર્ડથી ચાલુ થતી હોય છે, જે એક એવો પ્રોગ્રામ છે જેનો આપણે સૌ રોજેરોજ ઉપયોગ કરીએ છીએ અને છતાં, શીખવા ઇચ્છીએ તો રોજેરોજ તેમાંથી કોઈ ને કોઈ નવી ખૂબી શીખી શકીએ છીએ!
અત્યારે આપણે ધારી લઈએ છીએ કે તમે વર્ડ 2007નો ઉપયોગ કરતા હશો (વર્ડ પ્રોગ્રામ તમે જે લિંક ક્લિક કરીને ઓપન કરો છો ત્યાં કે પ્રોગ્રામ ઓપન થતી વખતે ખૂલતી પહેલી વિન્ડોમાં તેનું વર્ઝન લખ્યું હોય છે!) અગાઉ જેમણે 2003વર્ઝન વાપર્યું હશે તેમને અનુભવ હશે કે 2007વર્ઝનમાં લગભગ બધું જ બદલાઈ ગયું છે. તમે વર્ડનો ઉપયોગ તાજો જ શરૂ કર્યો હોય તો તમારા માટે આનંદના સમાચાર એ છે કે વર્ડનું આ નવું વર્ઝન (જે હવે તો ઘણું જૂનું થઈ ગયું છે!) વિઝ્યુઅલ ડ્રીવન છે, એટલે કે તેમાં મોટા ભાગનાં ફંક્શન જોતાં જ સમજાય એ પ્રકારનાં છે. જેમ કે,તમારે ટેક્સ્ટના ફોન્ટ બદલવા હોય તો હોમમાં ફોન્ટના ડ્રોપ ડાઉન મેનમાં જઈને ફોન્ટના ઓપ્શન જુઓ તો બધા ફોન્ટનાં નામ જે તે ફોન્ટમાં જ દેખાશે, જેથી તમને જોતાં જ અંદાજ આવી જાય કે કયા ફોન્ટનો ઉપયોગ કરવા જેવો છે.
આમ જુઓ તો માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામના પાયામાં આ જ સિદ્ધાંત છે - યુઝરનું કામ શક્ય એટલું સહેલું બનાવવું. જોકે આ ખૂબ સહેલું બનાવવા જતાં થાય છે એવું કે વર્ડમાં એક જ કામ જુદી જુદી રીતથી થઈ શકે છે. તમે ક્યારેક મિત્રો કે પરિચિતો સાથે વર્ડની ચર્ચા કરશો તો સમજાશે કે એક સરખું કામ કરવા માટે કોઈ ટોપ પર આપેલી રીબનમાંનાં બટન્સનો ઉપયોગ કરે છે તો કોઈ રાઇટ ક્લિક કરતાં ઓપન થતી વિન્ડોનો કે શોર્ટકટ્સનો ઉપયોગ કરીને વર્ડ પાસે ધાર્યું કામ કરાવી લે છે.
પણ, મુદ્દાની વાત એટલી કે વર્ડની કેટલીક ઓછી જાણીતી ખૂબીઓ તમે જાણી લો તો તમારું કામ વધુ ઝડપી અને સરળ બની શકે છે. જેમ કે વર્ડનું કેન્દ્ર છે ટોચ પરની રીબન, તેમાં આપણે જે ટેબ (એટલે કે હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ વગેરે) ઓપન કર્યું હોય તેમાંનાં બટન્સ અને ઓપ્શન્સ દેખાય. જે તે ટેબમાંનાં બટન્સ અને ઓપ્શન્સ પણ પાછા તેમની ઉપયોગીતા અને જરૂરિયાત અનુસાર ગોઠવવામાં આવ્યા હોય છે. બધા કેસમાં જોકે આ સાચું નથી, અમુક કમાન્ડ આપણી દૃષ્ટિએ તેને કંઈ લાગતું વળગતું ન હોય એવા ટેબમાં મૂકી દેવામાં આવ્યા છે. એટલે જ 2007વર્ઝન જ્યારે નવું નવું આવ્યું ત્યારે વર્ડના 2003વર્ઝનનો જોરદાર ઉપયોગ કરનારા કેટલાય લોકો શરૂઆતમાં સખ્ખત નારાજ અને નિરાશ પણ થયા હતા.
હવે એવું બની શકે છે કે આપણે વર્ડમાં કેટલાક ચોક્કસ કમાન્ડનો વારંવાર ઉપયોગ કરતા હોઈએ. જેમ કે નવો મુદ્દો કે નવું પ્રકરણ શરૂ થતું હોય ત્યાં પેજ અડધું કોરું રાખીને પણ નવા પેજથી લખાણની શરૂઆત કરવા માગતા હોઈએ તો પેજ બ્રેક ઓપ્શનની જરૂર પડે. પરંતુ પેજ બ્રેક કરવાની જરૂર ભી થાય ત્યારે આપણે જો હોમ ટેબમાં હોઈએ તો પહેલાં ઇન્સર્ટ ટેબમાં જવું પડે અને ત્યાં પેજ બ્રેકનો ઓપ્શન શોધવો પડે. આવું તો ઘણા બધા કમાન્ડની બાબતમાં બની શકે છે.
આવી સ્થિતિમાં, જે કમાન્ડનો આપણે વારંવાર ઉપયોગ કરતા હોઈએ એ બધાને આપણી ‘નજર સમક્ષ રાખવા’ માટે વર્ડમાં ક્વિક એક્સેસ ટૂલબાર નામે એક સગવડ છે. આ ક્વિક એક્સેસ ટૂલબાર વિન્ડોમાં ડાબી તરફ સૌથી ઉપર, વર્ડના મુખ્ય ઓફિસ બટનની બાજુમાં રહે છે. તમને જે કમાન્ડની - જેમ કે પેજ બ્રેક - વારંવાર જરૂર પડતી હોય તેને આ ક્વિક એક્સેસ ટૂલબારમાં મૂકી દો. આવું કરવાની બે રીત છે :
- ઇન્સર્ટ ટેબમાં પેજ બ્રેકના ઓપ્શન પર રાઇટ ક્લિક કરો અને એડ ટુ ક્વિક એક્સેસ ટૂલબાર વિકલ્પ પસંદ કરી લો.
- ક્વિક એક્સેસ ટૂલબારના છેડે આપેલા એરોથી ડ્રોપડાઉન મેનુ ઓપન કરો, મોર કમાન્ડ્ઝ પર ક્લિક કરતાં જે વિન્ડો ખૂલે તેમાં તમારી પસંદગીના કમાન્ડ નક્કી કરી લો!
સગવડ સાવ નાની છે, પણ એવો વિચાર કરીને મૂકવામાં આવી છે કે તમે જેમ જેમ તેનો ઉપયોગ કરતા જશો તેમ તેમ આ સગવડ કેટલી અસરકારક છે એ સમજાતું જશે!
તમે વર્ડ (કે ખરેખર તો કોઈ પણ પ્રોગ્રામ)ના ગમે તે વર્ઝનનો ઉપયોગ કરતા હો, તેમાં તમારી દૃષ્ટિએ જે ખામી હોય એવું ઘણું બધું મળશે અને થોડાં ખાંખાંખોળાં કરશો, થોડી આમ તેમ ક્લિક્સ કરી જોશો તો તેના સરસ ઉપાય પણ મળી આવશે. ઉપાય ન મળે તો ઇન્ટરનેટ પર ખાબકો, તમારી પહેલાં એ મુશ્કેલનો સામનો કરનારા અને તેનો ઉપાય મળતાં સૌની સાથે સાથે વહેંચનારા અનેક લોકો મળી આવશે એ નક્કી.
| Comments |
|







