વાતની શરૂઆત ઘણા બધા ‘જો અને તો’થી થવાની છે, પણ જો તમારામાં પૂરતી ધીરજ હોય તો ધીરજનાં ફળ મીઠાં સાબિત થાય તેમ છે.
હવે મૂળ વાત જો તમે મોબાઇલ લેવાનું વિચારતા હો, જો બજેટ તમારા માટે ખાસ કોઈ પ્રશ્ન ન હોય, જો તમે તમારા મોબાઇલમાં બિલકુલ નવીન સુવિધાઓ મેળવવા ઇચ્છતા હો અને જો તમે મોબાઇલની ખરીદી થોડો સમય લંબાવી શકતા હો... તો થોડો સમય રાહ જોઈ લેવામાં સાર છે, કેમ કે ગૂગલનો નેક્સસ ફોન આવી રહ્યો છે ભારતમાં!
ગૂગલ દર વર્ષે ડેવલપર્સની એક કોન્ફરન્સ યોજે છે, નામ છે ગૂગલ આઇઓ (ઇનપુટઆઉટપુટ). આ વર્ષે, ગયા અઠવાડિયે યોજાયેલી આ પાંચમી કોન્ફરન્સમાં ગૂગલે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના નવા વર્ઝન એન્ડ્રોઈડ ૪.૧ જેલીબિન, નેક્સસ૭ નામે ગૂગલના નવા ટેબલેટ અને નેક્સસક્યૂ નામની એક નવી એન્ટરટેઇન્મેન્ટ ડિવાઇસ લોન્ચ કરી છે.
ગૂગલે બે અઢી વર્ષ પહેલાં લોકોને મોબાઇલમાં ગૂગલની તમામ સુવિધાઓ આપવા માટે નેક્કસ નામે ગૂગલના પોતાના ફોન રજૂ કરવાની શરૂઆત કરી. આવો પહેલો હેન્ડસેટ નેક્કસવન એચટીસી કંપનીએ બનાવ્યો હતો, પછીનાં બે વર્ઝન નેક્સસએસ અને પ્રાઇમ સેમસંગે બનાવ્યા.ભારતમાં જે નેક્સસ આવી રહ્યો છે એ પણ સેમસંગે બનાવ્યો છે. આપણે આ ફોનની હાઇલાઇટ્સ જાણી લઈએ.
યુએસ માર્કેટમાં મુકાનારા નવા નેક્સસમાં એન્ડ્રોઇડનું નવું ૪.૧ વર્ઝન હશે, પણ ભારતના નેક્સસમાં વર્ઝન ૪.૦ છે. જોકે એ પણ એન્ડ્રોઇડનાં જૂનાં વર્ઝન કરતાં બિલકુલ નવાં અને સ્માર્ટ ફીચર્સ આપે છે. એન્ડ્રોઇડ બીમ નામની સુવિધાથી સમાન પ્રકારના બે હેન્ડસેટ માત્ર એકમેકમની નજીક રાખીને એક ટચથી કોન્ટેક્ટ્સ, વેબસાઇટ્સ, એપ્સ, મેપ્સ, વીડિયોઝ વગેરે શેર કરી શકાશે.
આ ફોનમાં ફેસ અનલોક સિસ્ટમ છે, ફોનને અનલોક કરવા માટે તમારે કોઈ પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી. ફોન ઓન કરો, કેમેરા સામે સ્માઇલ આપો, ફોન તમને ઓળખી જશે અને અનલોક થઈ જશે! વધુ એક નવી સુવિધા છે વોઇસ ટાઇપિંગની. એસએમએસ, ઇમેઇલ કે ગમે ત્યાં કશુંક પણ ટાઇપ કરવાની જરૂર ઊભી થાય તો કીબોર્ડમાં માઇક્રોફોનને ટચ કરો અને બોલવા લાગો (કાઠિયાવાડી કે ચરોતરી ઈંગ્લિશ પારખવામાં ગૂગલ ગોથાં ખાય તો ફોનનો દોષ ન કાઢશો!). તમે બોલેલા શબ્દો તરત ને તરત સ્ક્રીન પર અક્ષર તરીકે આકાર લેવા લાગશે.
ગૂગલનો ફોન હોય એટલે ગૂગલ + તો સ્વાભાવિક રીતે ઇનબિલ્ટ જ હોય! તેની મેસેન્જર સર્વિસની મદદથી મિત્રોના ગ્રુપ સાથે એક સાથે વાતચીત કરો કે હેન્ગઆઉટ્સની મદદથી ૯ લોકો સાથે મળીને વીડિયો ચેટ કરી શકો. ફોનનો કેમેરા ઝીરો શટરલેગ, ઓટોફોકસ, લોલાઇટ પરફોર્મન્સ વગરે ફીચર્સ તો ધરાવે જ છે, તેમાં પેનોરમિક ફોટો પણ લઈ શકો છો, ફોન જાતે જ પાસે પાસેના શોટ્સ સ્ટિચ કરી લેશે. નેક્સસ ૪.૬૫ ઈંચનો ખાસ પ્રકારનો હાઇડેફિનિશ ડિસ્પ્લે ધરાવતો દુનિયાનો પહેલો ફોન છે. તે ૪જી નેટવર્કને સપોર્ટ કરે છે (ભારતમાં ફોન તો આવી જશે, પણ નેટવર્ક?) અને તેનું પ્રોસેસર ૧.૨ ગીગાહટર્ઝનું છે, આ બંને સાથે મળીને વીડિયો ચેટ, શેરિંગ, એપ્સ સ્વિચ કરવી, ગેમ્સ રમવી, વેબ બ્રાઉઝિંગ કરવું વગેરે લાઇટનિંગ ફાસ્ટ બનાવી દેશે.
આ બધી વાત વાંચ્યા ને જાણ્યા પછી છેલ્લો સવાલ એક જ રહે કે ફોન ભારતમાં આવશે ક્યારે? એનાથીય પાયાનો સવાલ કિંમત કેટલી હશે?
બંને માટે સ્પષ્ટ જવાબ કોઈ નથી. ફોન યુએસ અને બીજા કેટલાક દેશોમાં આ મહિનામાં જ લોન્ચ થઈ રહ્યો છે, ભારતમાં તેની પ્રારંભિક સાઇટ (http://www.google.co.in/nexus/) લોન્ચ થઈ ગઈ છે. ફોનમાં રસ ધરાવતા લોકો સાઇટ પર રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે, જોકે રજિસ્ટ્રેશન માટે ક્લિક કરતાં જવાબ મળે છે કે આ ફોર્મ એક્સપાયર્ડ થઈ ગયું છે અથવા મેક્સિમમ રજિસ્ટ્રેશનની લીમિટ પાર કરી ગયું છે!
અને કિંમત? યુએસમાં આ ફોન ૩૯૯ ડોલર્સનો છે એટલે કે અંદાજે ૨૧,૦૦૦ રૂપિયા જેવું થાય. ફોન ભારતમાં આવે ત્યાં સુધીમાં રૂપિયો કેટલું ગગડશે એ તો મનમોહનજી જાણે!
| Comments |
|





