વેકેશન પૂરું! ફરી પાછી એ જ સ્કૂલ અને કોલેજની રોજિંદી ઘટમાળ! આ ઘટમાળ રોજિંદી ભલે હોય, પણ એને બોરિંગ બનાવતાં અટકાવવી એ આપણા જ હાથમાં છે. જેમ કે નવેસરથી ભણવાનું હજી ધીમે ધીમે શરૂ જ થયું હોય ત્યારે કોઈ ખરેખર ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ હાથમાં લીધો હોય તો કેવું? એવો પ્રોજેક્ટ જે કંઈક નવી ક્રિએટિવિટી પણ જગાવે અને સાથે સાથે એજ્યુકેશનમાં પણ કામ લાગે!
આવો એક પ્રોજેક્ટ થઈ શકે ડિજિટલ ફોટોઝ કે વીડિયોઝમાંથી, ઇન્ટરેસ્ટિંગ પ્રેઝન્ટેશન કે મૂવી બનાવવાનો.
એજ્યુકેશનને આમાં સાંકળવું બોરિંગ લાગતું હોય તો શરૂઆત વેકેશનની ટુરના ફોટોગ્રાફ્સથી કરો. આ વેકેશનમાં તમે ડિજિટલ કેમેરા કે મોબાઇલથી ઢગલાબંધ ફોટોગ્રાફ લીધા જ હશે. એની મદદથી સરસ વીડિયો બનાવી આપતાં અનેક ટૂલ્સ ઇન્ટરનેટ પર હાજર છે અને એમાંથી એકાદ-બે તો તમારા કમ્પ્યુટરમાં પણ હાજર હશે.
વિન્ડોઝ મૂવી મેકર આપણા કમ્પ્યુટરમાંનો એક એવો પ્રોગ્રામ છે, જેનો આપણે ભાગ્યે જ ઉપયોગ કરતા હોઈશું. એને એક ટ્રાય આપો. ઉપયોગમાં બહુ સરળ છે. પ્રોગ્રામ ઓપન કરો, વર્ડ કે એક્સેલની જેમ ન્યૂ પ્રોજેક્ટ ઓપન કરો. તમારા કમ્પ્યુટરમાં વેબકેમ હોય અને નવો જ વીડિયો ક્રિયેટ કરવા માગતા હો તો વેબકેમની મદદથી તાબડતોબ નવું શૂટિંગ કરી લો. અથવા તમે અગાઉ લીધેલા વીડિયો કે ફોટોઝ ઇમ્પોર્ટ કરો. તમારી નવીનકોર મૂવીમાં ઉમેરવા માટે મ્યુઝિકની ફાઇલ પણ ઇમ્પોર્ટ કરો. આ પ્રોગ્રામમાં વીડિયો ક્લિપ્સ કે ફોટોઝને એકબીજામાં મિક્સ કરવા માટે કે એકમાંથી બીજામાં જતી વખતની ટ્રાન્ઝિશન ઇફેક્ટસ આપેલી છે. આવી જુદી જુદી ઇફેક્ટ ચેક કરો અને તેમાંથી મનગમતી ઇફેક્ટ સિલેક્ટ કરો. પ્રીવ્યૂ વિન્ડોમાં તમારું ક્રિયેશન ચેક કરો. બસ, આટલું થયું એટલે તમારી મૂવીને કમ્પ્યુટર પર સેવ કરી લો!
આવો જ સહેલો, બીજો પ્રોગ્રામ છે ગૂગલનો પિકાસા. આપણે આ પ્રોગ્રામ વિશે અવારનવાર વાત કરી છે. તેમાં સૌથી ઉપરના મેનુમાં ક્રિએટ ડ્રોપડાઉન મેનુમાં મૂવીનો ઓપ્શન છે, તે એક્સ્પ્લોર કરી જોશો, તો તમારી પસંદગીના ફોટોગ્રાફમાંથી સરસ એનિમેટેડ મૂવી બનાવી શકશો.
એથી પણ વધુ સહેલો રસ્તો જોઈતો હોય તો પાવરપોઇન્ટ પ્રોગ્રામ પણ હાથવગો છે. તેમાં બહુ ઝડપથી વિવિધ ફોટોગ્રાફને તમે અનેક પ્રકારની ઇફેક્ટ આપી શકો છો, સ્લાઇડ ટ્રાન્ઝિશનના વિકલ્પ પણ અઢળક છે, ફોટોગ્રાફ્સની વચ્ચે વચ્ચે ટેક્સ્ટ ઉમેરો (સ્કૂલ ટીચર્સ માટે આમાં પાર વગરની શક્યતાઓ છે) કલ્પનાને છૂટો દોર આપો અને છેવટે તમારા પ્રેઝન્ટેશનને પાવરપોઇન્ટ શો તરીકે સેવ કરી લો એટલે સરસ એનિમેટેડ શો તૈયાર!
અચ્છા, આ બધા સહેલા રસ્તાથી જરા જુદો અને ‘એક્સપર્ટ્સ ચોઈસ’પ્રકાસનો રસ્તો અજમાવવો હોય તો ઇન્ટરનેટમાં ઝંપલાવો. થોડું ગૂગલિંગ કરો અને ડિજિટલ ફોટો કે વીડિયોઝમાં મૂવી બનાવતા પ્રોગ્રામ શોધી કાઢો. નેટ પર આવા પાર વગરના ફ્રી પ્રોગ્રામ્સ છે. અહીં આપણે આવા એક પ્રોગ્રામની ફટાફટ વાત કરી લઈએ - ઇઝીવીડ (http://www.ezvid.com). વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટેનો આ એક બિલકુલ ફ્રી અને મસ્ત વીડિયો મેકર પ્રોગ્રામ છે, જે ખાસ યુટ્યૂબને જ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. અલબત્ત, આ પ્રોગ્રામ રન કરવા માટે તમારા કમ્પ્યુટરમાં સર્વિસ પેક 3સાથેનું વિન્ડોઝ એક્સપી, વિન્ડોઝ વિસ્ટા કે વિન્ડોઝ સેવન જેવી ઓએસ હોવી જરૂરી છે. સોફ્ટવેર 93એમબી જેટલું હેવી છે. એકવાર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરશો એટલે તમારા ફોટોઝ કે વીડિયોઝની મદદથી સરસ મૂવી તૈયાર કરી શકો છો. આ સોફ્ટવેર યુટ્યૂબ માટે જ હોવાથી તેમાં તમે તમારી પસંદગીનું મ્યુઝિક ઉમેરી શકશો નહીં (યુટ્યૂબ પર ઉઠાંતરી કરેલા મ્યુઝિકવાળા વીડિયોઝ બેન થવાની પૂરી શક્યતા છે, ભાઇ!). સોફ્ટવેરમાં 20લીગલ મ્યુઝિક ટ્રેક સામેલ છે, એનો ઉપયોગ કરી શકો. વીડિયો તૈયાર થયા પછી તેને ડાયરેક્ટ યુટ્યૂબ પર અપલોડ કરી શકો છો. આ પ્રોગ્રામમાં તમે વધુમાં વધુ 10 મિનિટની લંબાઈના વીડિયો તૈયાર કરી શકો છો (જોકે યુટ્યૂબ પર સૌથી વધુ જોવાતા વીડિયોઝ મોટા ભાગે ત્રણ મિનિટ કરતાં ઓછી લંબાઈના હોય છે).
આ રીતે તમે ડિજિટલ ફોટો કે વીડિયોમાંથી મૂવી તૈયાર કરશો એટલે ઇમેજીસ અને ઓડિયો-વીડિયો ટ્રેકનાં વિવિધ ફોર્મેટનો પરિચય થશે, એમાં થોડા વધુ ઊંડા ઊતરશો તો ઘણું નવું જાણવા મળશે.
પેરેન્ટ્સ કે સ્કૂલ ટીચર્સ સ્ટુડન્ટ્સ સાથે મળીને એજ્યુકેશનલ પ્રેઝન્ટેશન કે મૂવી બનાવવા માગતા હોય તો એમણે ખાસ જોવા જેવી સાઇટ છે આ :
http://www.neok12.com/presentations.htm (આ સાઇટ વિશે ઓગસ્ટ 2009માં આપણે વિગતવાર વાત કરી છે!)
| Comments |
|
|
||||||||






