વીતેલા જમાનામાં, જ્યારે વેકેશનમાં ઝાઝા બધા સમર કેમ્પ્સ નહોતા કે ચીટકી રહેવા માટે ટીવી કે કમ્પ્યુટર નહોતાં ત્યારે છોકરાં ઘરમાં કે આંગણમાં રમી રમીને કંટાળે અને ‘‘હવે અમે શું કરીએ?’’ એવા સવાલો કરીને માબાપને કંટાળો આપતાં, ત્યારે માબાપ એ સ્થિતિનો લાભ લેતાં. એ છોકરાંવને જૂની ટેલિફોન ડાયરી કે એડ્રેસબુક પકડાવતાં, સાથે નવી ડાયરી આપતાં અને કહેતાં કે ‘‘બધાંનાં એડ્રેસ નવેસરથી લખી નાખો.’’ રમીને રમીને કંટાળેલાં આપણે સૌ એ કામ લાલ ને બ્લુ પેનને કામે લગાડીને હોંશથી કરતા પણ ખરા!
હવે જમાનો બદલાઈ ગયો છે. હવે વેકેશનમાં બીઝી રહેવા માટે સૌ કોઈ પાસે અનેક ઓપ્શન્સ છે. તેમ, સૌના સંપર્કમાં રહેવા માટે મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી કે ફેસબુકમાં ફ્રેન્ડશીપ હોય તો પૂરતું થઈ રહે છે. પણ જમાનો એટલો બધો બદલાયો નથી કે પોસ્ટલ એડ્રેસ વિના બિલકુલ ચાલે. સામાન્ય સંજોગોમાં પણ પાકું પોસ્ટલ એડ્રેસ તો જોઈએ જ અને હજી પણ વાર તહેવારે આમંત્રણ કે કંકોત્રીઓ મોકલવા માટે આપણને પોસ્ટલ એડ્રેસ તો જોઈએ જ.
જો તમે પણ ઘરમાં કોઈ પ્રસંગ આવી રહ્યો હોય અને દોઢસોબસો સ્વજનોનાં પાકાં, લેટેસ્ટ એડ્રેસ ભેગાં કરવાની પળોજણમાં પડ્યા હો તો સમજાશે આ કેટલું કટાકૂટભર્યંુ કામ છે.
સૌનાં લેટેસ્ટ એડ્રેસ ભેગાં કરવાનો એક લાંબો ઉપાય દરેકને ફોન કરીને એડ્રેસની ખાતરી કરવાનો છે. તેનાથી થોડો ટૂંકો ઉપાય, સૌને મેઇલ મોકલીને તેમનાં લેટેસ્ટ એડ્રેસ મંગાવવાનો છે, જવાબ આપે પછી તમારી રીતે કોપીપેસ્ટ કરો કે નવેસરથી હાથેથી લખી લો. હજી ટૂંકો રસ્તો છે ગૂગલ ડોક્સમાં એક ફોર્મ બનાવીને એ ફોર્મ સૌની સાથે શેર કરવાનો, જેથી તમારા સ્વજનો તેમાં તેમના સરનામાની વિગતો મોકલી આપે અને એ સીધી જ તમારા ડોક્સમાં એક સ્પ્રેડશીટમાં એકઠી થઈ જાય. પણ આ માટે તમને ગૂગલ ડોક્સનો અને તેની ફોર્મની સગવડનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ.
તેનાથી પણ સહેલો ઉપાય પોસ્ટેબલ (www.postable.com) નામની એક સરસ ને સાવ સિમ્પલ વેબસર્વિસનો ઉપયોગ કરવાનો છે.
આ સર્વિસ પર જઈને તમે પહેલી વાર તમારું ખાતું ખોલાવો (ડોન્ટ વરી, ફ્રી છે!). ખાતું ખોલાવવા તમારે ફક્ત તમારું નામ, અટક, ઇમેઇલ એડ્રેસ આપવાનું છે અને મનગમતો પાસવર્ડ (સોરી, વધુ એક પાસવર્ડ!) નક્કી કરવાનો છે. આટલું થયું એટલે ફટાક દઈને તમારી એડ્રેસ બુક તૈયાર થઈ જાય, (પણ એ હજી કોરીધાકોડ હોય). એ સાથે, જ પોસ્ટેબલ સર્વિસ તરફથી તમને postable.com/YourNameએવી તમારી એડ્રેસબુકની લિંક મળે. તેને કોપી કરી લો અને તમારા ઇમેઇલ ખાતાનો ઉપયોગ કરીને તમારા સ્વજનોને એ લિંક મોકલી દો. અથવા, ફેસબુક ટિ્વટર વગેરેની મદદથી પણ તમે આ લિંક સૌની સાથે શેર કરી શકો છો (ફેસબુક પરથી યાદ આવ્યુંને કે તેમાં પણ બર્થડે માટે આવી જ એપ છે?). લિંક મોકલતી વખતે જરા સારા શબ્દોમાં તમે કેમ એડ્રેસની વિગતો મંગાવો છો એ લખશો તો સ્વજનો થોડો સમય ફાળવશે પણ ખરા.
એ લોકો તમે મોકલેલી લિંક પર ક્લિક કરશે એટલે તમારી એડ્રેસ બુકનું એક ફોર્મ ખૂલશે. બહુ સહેલાઈથી તેઓ તેમાં પોતાની વિગતો ભરશે એટલે બધું જ તમારી એડ્રેસબુકમાં સચવાઈ જશે. આવા જ ફોર્મનો ઉપયોગ કરીને તમે જાતે પણ બીજાં એડ્રેસ ઉમેરી શકો છો. ખામી ફક્ત એક વાતની છે, જુદાં જુદાં એડ્રેસ માટે કેટેગરી કે ગ્રાપ્સની સગવડ નથી.
મતલબ કે કાં તો તમે સો સ્વજનોનાં સરનામાં અને વિગતો જાતે ટાઇપ કરો ને દિવસો સુધી મહેનત કરો, અથવા કામ એ જ બધા લોકોમાં વહેંચી દો અને ગણતરીના દિવસોમાં (જો સ્વજનો તમારા જેટલા જ ઉત્સાહી ને ધગશવાળા હોય તો એક જ દિવસમાં પણ આ કામ પતી શકે (જૈસી જિસકી સોચની જેમ, જેવા જેના સ્વજન!).
મુદ્દાની વાત એટલી કે આખી સર્વિસનો યુઝર ઇન્ટરફેસ એકદમ સરસ છે, સ્વજનોને પણ પોતાનું એડ્રેસ લખવાનો કંટાળો ન આવે એવું. સર્વિસ ભારપૂર્વક કહે છે કે તે બિલકુલ એડફ્રી છે, તમારી વિગતો માત્ર તમારી જ રહે છે, કોઈને વેચવામાં આવતી નથી અને ઓનલાઇન બેન્કિંગ જેટલી જ સલામત છે. સાઇટની ડિઝાઇન જે રીતે તૈયાર થઈ છે એ જોતાં, તેમાં રહેલો ખરેખરો પ્રોફેશનલ અભિગમ દેખાઈ આવે છે એટલે સર્વિસ પર વિશ્વાસ મુકવાનું મન થાય તેમ છે. અચ્છા, આ સાવ ફ્રી સર્વિસમાંથી એ લોકો કેમ કમાણી કરે? સાઇટનો જવાબ છે કે એડ્રેસ બુક ફ્રી જ છે, તમે તેને ચોક્કસ પ્રિન્ટર પાસે પ્રિન્ટ કરાવવા માગતા હો તો તેનો ચાર્જ છે.
આખી વાતમાં, પાયાનો અકે સવાલ થયો કે નહીં? પોસ્ટલ એડ્રેસની વાત છે તો સરનામાં વેબપેજ પરથી સાદા કાગળ પર કેવી રીતે ઉતારવાં? તમે એડ્રેસબુક એક્સેલ, જીમેઇલ, આઉટલૂક, એપલ એડ્રેસબુકમાં ડાઉનલોડ કરી શકો છો કે લેબલ તરીકે સીધા કાગળ પર લઈ શકો છો ફ્રીમાં!
| Comments |
|
|
||||||||





